આ વાક્યો વાંચો :
તે પડતાં-પડતાં ભચ્યો.
ખળખળ કરતું ઝરણું વહે છે.
લો હવે ખાવાનું ભાતું-બાતું કાઢો.
આ વાક્યોમાં નીચે લીટી કરેલા શબ્દોએ તમારું ધ્યાન ખેંચ્યું ? અહીં ક્યાંક એકનો એક શબ્દ તરત પુનરાવર્તિત કર્યો છે તો ક્યાંક વળી પ્રથમ શબ્દ સાથે અર્થ વગર માત્ર પ્રાસ મેળવ્યો છે, ખરું કે?
આવા શબ્દો દ્વિરુક્ત શબ્દો કહેવાય.
'દ્વિ' એટલે બે અને 'ઉક્તિ' એટલે બોલાયેલું. 'દ્વિરુક્ત' એટલે જે (શબ્દ) બે વખત બોલાય છે તે.
જેમ કે, ધીરેધીરે, ઠેરઠેર, ગરમગરમ, સૂતાં-સૂતાં, ખાતાંખાતાં, લાલલાલ, ઘેરયેર, માંડમાંડ, મનાંમનમાં, પાંચપાંચ, જ્યાંજ્યાં વગેરે.
નિયમ - એકના એક શબ્દો ફરી વખત આવે ત્યારે સંપૂર્ણ દ્વિરક્તિ થઈ કહેવાય.
કેટલાક દ્વિરુક્ત પ્રયોગોમાં એકનું એક રૂપ બેવડાતું હોય પણ એમાંથી કોઈ ધ્વનિનો લોપ થયો હોય છે, જુઓ: આટઆટલું - માં 'આટલું આટલું'ને સ્થાને 'લું' ધ્વનિનો લોપ થઈને 'આટઆટલું' દ્વિરુક્ત પ્રયોગ થયો છે. આવાં ઉદાહરણો છે. કેટકેટલું, વગેરે.
નિયમ : છેલ્લા અક્ષરોમાં સામાન્ય ફેરફાર થાય ત્યારે અંશતઃ દ્વિરુક્તિ થઈ કહેવાય.
કેટલાક દ્વિરુક્ત પ્રયોગમાં શબ્દનો અર્થ હોય કે ન હોય, પણ માત્ર પ્રાસ બેસાડીને અનુરૂપ શબ્દો બોલવામાં આવે જુઓ,
ઢોરઢાંખર - અહીં પાછળ મુકાયેલો 'ઢાંખર' શબ્દ માત્ર પ્રાસ માટે છે, તેનો કોઈ અર્થ નથી. આવા બીજા શબ્દો જુઓ. લાડુબાડુ, ગલ્લાંતલ્લાં, ચોપડીબોપડી, પેનબેન, ભજનબજન, ગીતબીત, પાણીબાણી, ઢોરબોર, શાકબાક વગેરે.
અર્થ વગરના ગમે તે પ્રાસવાળા અક્ષરો આગળ કે પાછળ બોલાય ત્યારે પ્રાસ દ્વિરુક્તિ થઈ કહેવાય.
કેટલાક અવાજને પકડીને એને અક્ષરો દ્વારા શબ્દોનાં રૂપમાં ઢાળવામાં આવે છે. જુઓ,
ચકલીનો અવાજ ચીં ચી, મોરનો અવાજ ટેહૂક ટેહુક, ઢોલનો અવાજ ઢમઢમ, પાણીનાં ટીપાંનો અવાજ ટપટપ, ઘંટીનો અવાજ ધમધમ વગેરે.
ચીંચીં, ટેહુક ટેહુક, ઢમઢમ, ટપટપ, ધમધમ, ફટાફટાક, બેંબેં કુહુ કુહૂ એ રવાનુકારી શબ્દો છે.
આ પ્રકારના વિવિધ અવાજોને રજૂ કરતા શબ્દોને રવાનુકારી શબ્દો કહે છે.
નીચેનાં વાક્યોમાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો ઓળખી, નીચે લીટી કરી તે શબ્દનો પ્રકાર જણાવો.
1. રાત્રે દસદસ વાર હું દાદાજીની કાળજી લેવા માટે જાગતો.
2. ત્રણચાર વાગ્યા ને પવનના સૂસવાટા શરૂ થયા.
3. કોઈ ભાઈબહેન પાસે માથામાં નાખવાનું તેલબેલ છે?
4. થોડું મોડું થયું એટલે કૂતરાનું હાઉ હાઉ શરૂ થયું.
5. એ અષાઢી સાંજે વીજળીએ ઝબ ઝબ શરૂ કર્યું.
6. વહેલી સવારે ગામડામાં છાશ-વલોણાનો ઘમ્મ ઘમ્મ અવાજ આવી રહ્યો હતો.